🌸

પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં ન ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઈ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઈ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો
તો રૂંવાડે આગ કોઈ જાગે
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

– તુષાર શુક્લ

પ્રેમ છે…

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

-હરીન્દ્ર દવે

મળી ગયાં પ્રવાસમાં !

મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો
થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો
ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી
રહી રહીને જિંદગી કોઇને હાક મારતી

મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે
ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે
ખડા થઇ જશું, વહી જતાં સમયની વાટમાં
ભરીશું હર્ષનો ગુલાલ, શોકના લલાટમાં

મને થતું કે ફેર કંઇ પડે હ્ર્દયની પ્યાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું
ઠરી ગયેલ ઊર્મિને હ્રદય-ઝૂલે ઝુલાવશું
હવે કદી પવિત્ર જળ ધરા ઉપર નહિ ઢળે
નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહિ મળે

મને થતું : વસાવું આ સુવર્ણને સુવાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
અદીઠને અનેકવાર મેં કરી છે વંદના

મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

-ગની દહીંવાળા

☘️

સ્પર્શ કરીશું સહેજ સરીખો,
છેક ભીતરે ઝાંકી લેશું.
અલપઝલપ બસ એક નજરમાં,
ભવભવનું પણ ભાખી લેશું…

🎵

તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે…

– મનહરલાલ ચોક્સી

મને ભૂલી તો જો…

મને ભૂલી તો જો,
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !

લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તું ય હજી આંજે અણસાર, અને મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !

છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !

-વિનોદ જોષી

🌸

ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ….

🌸

નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું…

– ઉર્વીશ વસાવડા